ચાર્લી ચેપ્લિને

દુનિયાને હાસ્યની ગિફ્ટ આપી છે સૌથી મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિને, પણ આ ચાર્લીની ગિફ્ટ દુનિયાને આપી ગરીબી અને એકાંતપણાએ.
ખૂબ ટાઈટ કોટ, ખૂબ નાની હેટ, સાઈઝમાં ખૂબ મોટા શૂઝ અને મૂછ… યાદગાર પાત્ર. સર ચાર્લ્સ (ચાર્લી) સ્પેન્સર ચેપ્લિન યાદ આવતાં જ ચહેરા પર હાસ્ય છવાય, પણ એ જ ચાર્લીએ જીવનના પ્રારંભિક તબક્કામાં ખૂબ ગરીબી અને દુઃખ સહન કર્યા હતા.
કોમેડિયન ચાર્લી ચેપ્લિન તો કરોડપતિ હતા. અને કેમ ન હોય. એમણે કામ પણ એવુંં ક્વાલિટીવાળું કરી બતાવ્યું હતું. પરંતુ પૈસા અને ખ્યાતિ, બધું એમને જિંદગીમાં બહુ મોડું મળ્યું હતું.
દર્શકોને હસાવીને એમનાં દિલ જીત્યાં એ પહેલાં ચાર્લીને એમની જિંદગી પર જીત મેળવવી પડી હતી. પિતા નશાબાજ હતા. દીકરો હસતો રહે એ માટે પૈસા કમાવવા માતા હેન્ના સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે નાનાં સ્ટેજ શો કરીને પોતાની અભિનયકળા વડે દર્શકોને હસાવતાં.
ચાર્લીની ઉંમર ત્યારે માંડ પાંચ વર્ષની હશે. માતા બીમાર પડી ગયા અને સ્ટેજ પર હાજર થઈ શક્યાં નહીં. પણ ચાર્લીએ મામલો સંભાળીને દર્શકોને હસાવ્યાં. પોતાની માતાની જ મિમિક્રી કરીને. એ જોઈને દર્શકો પેટ પકડીને હસ્યા, પૈસાનો વરસાદ વરસાવ્યો અને માતાએ ગર્વની લાગણીનો અનુભવ કર્યો.
પરંતુ એક દિવસ માતાને નર્વસ બ્રેકડાઉન થયું, પથારીવશ થયાં. ચાર્લીએ રસ્તાઓ પર ઊભીને લોકોનું મનોરંજન કર્યું, ડાન્સ કર્યો. નાનો બાળક એની હેટમાં પૈસા ભેગા કરતો.
14 વર્ષે પણ ચાર્લીને ફૂટપાથ પર સૂવું પડતું હતું, ખાવાનું મેળવવા માટે ભટકવું પડતું હતું. ગરીબ-એકલતાથી દુખી ચાર્લીને કોમેડીમાં આશરો મળ્યો હતો. સાઈલન્ટ એક્ટરે હાસ્યની પાછળ પોતાના આંસુઓને સંતાડી દીધા હતા. એમના હાસ્યએ ક્યારેય કોઈને પીડા આપી નથી.
ચાર્લી ઉંમરમાં મોટાં થતા ગયા અને કોમેડિયન બન્યા ત્યારે એમના માતા જ એમનાં પ્રેરણામૂર્તિ બન્યાં હતાં.
આવી હતી ચાર્લીની ગરીબીમાંથી વૈભવતા તરફની સફર. જેમાં એમણે જિંદગીનો સામનો હાસ્યથી કર્યો હતો.
(ચાર્લી ચેપ્લિન)
જન્મઃ ૧૬ એપ્રિલ, ૧૮૮૯ (લંડન, ઈંગ્લેન્ડ)
નિધનઃ ૨૫ ડિસેંબર, ૧૯૭૭ (કોર્ઝર-સૂર-વિવે, સ્વિટ્ઝરલેન્ડ)

Post a Comment

أحدث أقدم