કેળાની છાલ : સરકતી જાયે હૈ રુખ સે નકાબ

Banana
કોઇને પણ અન્યાય કરવાનો સીધો ને સરળ રસ્તો છે સામાન્યીકરણ. પોલીસવાળા એટલે બધા લાંચીયા.
રાજકારણીઓ એટલે બધા ભ્રષ્ટ. કવિઓ એટલે બધા ક્લોરોફોર્મ. નિર્દોષ એવી કેળાની છાલ પણ આવા જ સામાન્યીકરણનો ભોગ બની છે: ‘કેળાની છાલ પર પગ પડે તો લપસી પડાય.’ પોતાની બેદરકારી ઢાંકવા માટે માનવજાત કઈ હદે નિમ્ન કક્ષાએ જઇ શકે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. કેળાની છાલનો ગુણધર્મ છે ચીકાશ.

બાર વર્ષે બુધ્ધિ આવી ગઇ હોય તેવી દરેક વ્યક્તિ આ હકીકતથી અવગત છે.
તેમ છતાંય કેળું ખાનાર તેની છાલ બેદરકારીપૂર્વક રસ્તા પર ફેંકે છે અને ચાલનાર બેદરકારીપૂર્વક ચાલીને કેળાની છાલ પર પગ મૂકીને ભોંય પર પછડાય છે. પરંતુ આપણે કેળાની છાલ ફેંકનાર મુખ્ય આરોપી અને તેની પરથી ચાલનાર સહઆરોપીને બાજુ પર રાખી, સાવ નિર્દોષ એવી કેળાની છાલને આપણે દોષિત ઠેરવીએ છીએ.

ઇશ્વરની ઇચ્છા વિના જગતમાં ઝાડ પરનું પાંદડું પણ હલતું ન હોય ત્યાં પડી જવા માટે કેળાની છાલને દોષ દેવો કેટલું યોગ્ય છે! શું મહાનગરોના રસ્તાઓ પર પડતા ભુવા કેળાની છાલ પરથી ચાલવાને કારણે પડે છે? શું ગઠબંધન સરકારો કેળાની છાલને કારણે પડી જાય છે? પુરુષોના માથાની ટાલ ક્યારે કેળાની છાલ પર ચાલવા ગઇ હતી? તો પણ પડે જ છે ને.

ગટરમાં જઇને ખાબકતા દારૂડિયાનો પગ શું કેળાની છાલ પર પડી ગયો હોય છે? કેળાં પર સંપૂર્ણ અને દેશવ્યાપી પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો પણ માનવ કેળાની છાલની ‘મદદ’ વિના પણ પ્રેમમાં તો પડશે જ પાછો.
કેટલીકવાર અત્યંત સાવધાનીપૂર્વક વર્તનાર વ્યક્તિ પણ કેળાની છાલનો શિકાર બની જાય છે. આ માટે જવાબદાર હોય છે રાતનો અંધકાર અને ઉડી ગયેલી સ્ટ્રીટલાઇટો.આવા કિસ્સામાં જમીનમિત્ર થવા બદલ આપણે તે વ્યક્તિને જવાબદાર ન ગણી શકીએ. આ પ્રકારના બનાવો રોકવા માટ રેડીયમની પટ્ટી ચોંટાડીને કેળાં વેચે તેવો કાયદો બનાવવો જોઇએ.

આજકાલ પગપાળા ચાલનારાઓની સંખ્યામાં જોરદાર ઘટાડો નોંધાવાને પગલે કેળાની છાલનો ભોગ બનનારાઓ હવે લુપ્ત થવા લાગ્યાછે. વર્તમાન સમયના લોકોની બદલાયેલી આ આદતને કારણે ઓર્થોપેડિક ડૉક્ટરો પણ ભારે ચિંતિત છે. તેઓ કેલ્શિયમના ભંડાર તરીકે કેળાનો પ્રચાર કરી લોકોને કેળાં ખાવા પ્રેરિત કરી શક્યા છે, પણ પગપાળા ચાલવાનો પ્રચાર કરી લોકોને ચાલવા માટે અભિપ્રેરિત કરી શક્યા નથી.

ખેર, નૈતિક રીતે પતન પામેલા આજના આધુનિક માણસને એ વાતનું સુખ છે કે તેને કેળાની છાલ તે પડેલો છે તેનાથી વધારે પાડી શકતી નથી.

Post a Comment

أحدث أقدم