ઔષધના રસાયન અને વાજિકરણ ગુણના કારણે ધાતુક્ષીણતા, શુક્ર દોષ, અકાળે વાર્ધક્ય, સ્મૃતિનાશ, વીર્યની અલ્પતા અને દ્રષ્ટિની દુર્બળતા દૂર થાય છે
યાદ શક્તિ તથા આંખનું તેજ વધારનારો પ્રયોગ
માલ કાંકણી (જ્યોતિષ્મતી)નું શુદ્ધ તેલ. ગાયનું ઘી અને શુદ્ધ કરેલો આમલસારો ગંધક ત્રણે સરખા ભાગે લઈ મિશ્રણ કરવું. આમાંથી ૧/૪ ગ્રામ (પા ગ્રામ) લઈ પ્રયોગની શરૂઆત કરવી. પ્રતિદિન આટલું જ માપ (૧/૪ ગ્રામ) છેક પંદર દિવસ સુધી વધારતા રહેવું પછી અનુક્રમે ૧/૪ ગ્રામ ઘટાડતા જવું. આ રીતે એક મહિના સુધી આ પ્રયોગ કરવો.
સવાર સાંજ આ ઔષધ લીધા પછી બસો ગ્રામ જેટલું ગળ્યું દૂધ પીવું. જેમની મેધા, બુદ્ધિ અને સ્મરણ શક્તિ અલ્પ હોય એવા વિદ્યાર્થીઓ અને બુદ્ધિજીવીઓ માટે આ પ્રયોગ આશીર્વાદ સમાન છે. આ સાથે ધાતુ શોષ અને આંખની નબળાઈ હોય તેવા લોકો પણ આ પ્રયોગ કરી શકે છે. વાત વિકાર વાળા, માનિસક દુર્બળતા યુક્ત કે જેમના માથામાં સખત કફ ભર્યો હોય તેવા (સુસ્ત) લોકોને પણ જો આ ઔષધ નિયમિત રીતે આપવામાં આવે તો સ્ફુર્તિ, યાદશક્તિ અને વાતવિકાર દૂર થાય છે.
દૂઝતા મસા - રક્તાર્શ માટે...
અરીઠાની છાલ અને રસવંતીને સમાનભાગે મેળવી બારીક ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને પાણી સાથે ખરલ કરી (લસોટી) ચણા કે વટાણા જેવડી ગોળી બનાવી લેવી. સવાર સાંજ એક એક ગોળી ગરમ કરીને ઠંડા કરેલા બકરીના એક કપ દૂધ સાથે આપવાથી દૂઝતા મસા (રક્તાર્શ) ત્રણેક અઠવાડિયામાં મટી જાય છે.
તમામ પ્રકારના કૃમિ માટે
ખાખરાના શેકેલા બીજ ૫૦ ગ્રામ, કપીલો, અજમોદ, વાવડિંગ અને ઈન્દ્રજવ પચીસ - પચીસ ગ્રામ તથા શેકેલી હિંગ પાંચ ગ્રામ (છ માસા) લેવી... બધાને મેળવી, ખાંડી બારીક ચૂર્ણ બનાવી લીમડાના પાનના સ્વરસના પાંચ પુટ અને અજમોદ, વાવડિંગના કવાથના બે પુટ આપીને ચૂર્ણ બનાવી લેવું. આમાંથી અડધોથી એક ગ્રામ દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવું. નાના બાળકને ૧/૪ ગ્રામ આપવું. આ ઔષધના નિયમિત સેવનથી તમામ પ્રકારના કૃમિ નાશ પામે છે.
અપચો, ગેસ, અરુચિ અને પેટનો દુખાવો મટાડવા માટે...
સંચળ, સાકર, જીરૂ, સૂંઠ, મરી, લીંડી પીપર અને અક્કલકરો આ સાત ઔષધ સરખા ભાગે (પચીસ, પચીસ ગ્રામ) લઈ બધાનું બારીક ચૂર્ણ બનાવી લેવું. એ પછી એક ખરલમાં આ ચૂર્ણ અને જરૂર પ્રમાણે ધીમે ધીમે લીંબુનો રસ નાખી ત્રણ દિવસ ઘુંટવું. થોડુંક સુકાય એટલે ચણોઠી જેવડી ગોળી બનાવી શીશીમાં ભરી લેવી. આમાંથી બે-ચાર ગોળી જમ્યા બાદ ચૂસવી અથવા ગળવી.
આના નિયમિત ઉપયોગથી ભૂખ લાગે છે, પાચન શક્તિ સુધરે છે, આંતરડામાં ભરેલો વાયુ-ગેસ દૂર થાય છે. અરુચિ જેવું રહેતું હોય તો તેમાં પણ સારું પરિણામ મળે છે. આફરો, પેટનો દુખાવો અને કબજિયાત હોય તો તેમાં પણ ફાયદો થાય છે.
વીર્ય વર્ધક ઔષધ પ્રયોગ
અશ્વગંધા, આમળાં, ગોખરૂ, ગળો અને વરધારો આ પાંચ ઔષધિ સરખા ભાગે (સો ગ્રામ કે પચાસ ગ્રામ - પોતાની જરૂરત પ્રમાણે) લઈ બરાબર સાફ કરી ખાંડીને બારીક ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણમાં શતાવરીનો સ્વ રસ નાખી ઘૂંટીને સૂકવી દેવું. આજ રીતે કુલ ત્રણ વાર શતાવરીના સ્વરસની ભાવના આપી ચૂર્ણ બનાવી લેવું. ચૂર્ણના વજન બરાબર સાકર મેળવી સવાર સાંજ તેમાંથી સાત ગ્રામ જેટલું ચૂર્ણ લઈ અસમાન ભાગે મધ તથા ઘી મેળવીને ચાટી જવું. ઉપર એક કપ ગળ્યું ગાયનું દૂધ પી જવું.
આ રીતે સતત એક વર્ષ આ પ્રયોગ ચાલુ રાખવાથી - ઔષધમાં રહેલા રસાયન અને વાજિકરણ ગુણના કારણે ધાતુઓની ક્ષીણતા, શુક્ર દોષ, અકાળે વાર્ધક્ય, સ્મૃતિનાશ, વીર્યની અલ્પતા અને દ્રષ્ટિની દુર્બળતા જેવી ફરિયાદ દૂર થાય છે.
શરદી, ઉધરસ, શ્વાસ તથા કફ માટે
તાલિસ પત્ર, જેઠી મધ, અરડૂસીના ફૂલ, સોમ વલ્લી (ઈફેહ્રા એન્ટર મિડિયા) અને પુષ્કર મૂળ આ પાંચ ઔષધિ સરખા ભાગે લઈ બરાબર ખાંડી બારીક ચૂર્ણ બનાવી લેવું. આમાંથી એક એક ગ્રામ ચૂર્ણ સવાર બપોર સાંજ મધ સાથે ચાટી જવું. શરદી, ઉધરસ તથા કફ રહેતો હોય તેવી વ્યક્તિ માટે આ ઔષધનું સેવન આશીર્વાદ સમાન છે. આ સિવાય છાતીમાં કફ ભરાઈ જવાથી જેમને અવાર નવાર શ્વાસના હૂમલા આવતા હોય, કફ છૂટો ન પડતો હોય તથા એ કારણે ખાંસી પણ રહેતી હોય તેવી વ્યક્તિને નિયમિત એક બે માસ આ ઔષધ આપવામાં આવે તો આશાતીત લાભનો અનુભવ થતો હોય છે.
ઊલટી અટકાવનારો પ્રયોગ
લીંબુનો રસ નીચોવી લીધા પછી જે છોતરા બચે તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ જો આ છોતરાને છાંયડે સૂકવી બાળીને રાખ કર્યા બાદ એક શીશીમાં ભરી રાખવામાં આવે અને એમાંથી જરૂર પડે ત્યારે પા થી અડધો ગ્રામ રાખ મધ અથવા ઠંડા પાણીમાં બે બે કલાકના અંતરે આપવામાં આવે તો ઊલટીના વેગો અટકી જાય છે. આ ઔષધ સરળ અને નિર્દોષ હોવાથી નાના બાળકને, વૃદ્ધને અને સગર્ભાવસ્થા દરમિયાન થતી ઊલટીમાં સ્ત્રીઓને પણ આપી શકાય છે.
વાઈ - હિસ્ટીરિયા માટે
ગાંધીને ત્યાંથી સારો ગંધારો વજ લાવી એનું ચૂર્ણ બનાવી કપડાથી ચાળી લેવું. આ ચૂર્ણ ખાલી કેપસૂલમાં ભરી તેમાંથી બે બે કેપસૂલ સવાર સાંજ પાણી સાથે ગળવાથી અને આ પ્રયોગ દરમિયાન દૂધ ભાતનું સેવન કરતા રહેવાથી જૂનો વાઈનો રોગ - હિસ્ટીરિયા મટે છે.
Post a Comment